વડોદરા જિલ્લામાં બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2026-27 માટે અમલીકૃત થનાર વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતો માટે અરજી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાના બાગાયતદારો આ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઈ-ખેડૂત પોર્ટલ 2.0’ (ikhedut.gujarat.gov.in) પર 26 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
આ વિગતો ખેડૂતોએ સાથે રાખવી
નાયબ બાગાયત નિયામકના જણાવ્યા મુજબ ખેડૂતો પોતાના નજીકના ગામના ઈ-ગ્રામ સેન્ટર અથવા ખાનગી ઇન્ટરનેટ માધ્યમથી અરજી કરી શકે છે. અરજી કરવા માટે ખેડૂતોએ 7/12 અને 8-અની નકલ, આધાર કાર્ડની નકલ તેમજ બેન્ક ખાતાની વિગતો સાથે રાખવાની રહેશે. અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ અચૂક મેળવી લેવા માટે અરજદારોને ખાસ સૂચના આપવામાં આવી છે.
પ્લાન્ટીંગ મટીરીયલ્સ માટે પણ સહાય પૂરી પાડવામાં આવશે
વર્ષ 2026-27 માટેની આ યોજનાઓમાં મુખ્યત્વે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતી, આંબા, જામફળ, પપૈયા અને કેળ (ટિસ્યુ) જેવા ફળપાકોની ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંબા અને લીંબુના જૂના બગીચાઓનું નવસર્જન, કમલમ (ડ્રેગન ફ્રૂટ) વાવેતર, ટિસ્યુકલ્ચર ખારેકની ખેતી, ક્રોપ કવર, શાકભાજી મંડપ અને ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ્સ માટે પણ સહાય પૂરી પાડવામાં આવશે.
આ યોજના હેઠળ માળખાગત સુવિધાઓ જેવી કે નાની નર્સરી, ફાર્મ ગેટ પેકહાઉસ, પ્રી-કુલીંગ યુનિટ, કોલ્ડ રૂમ, સોલર ક્રોપ ડ્રાયર અને સેકેન્ડરી પ્રોસેસીંગ યુનિટ માટે પણ સહાયની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતો કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ અને ગ્રામ્ય કક્ષાએ સોલાર કોલ્ડ રૂમ જેવી આધુનિક સુવિધાઓ માટે પણ અરજી કરી શકશે.
આ પણ વાંચો : Junagadh News: માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ, ઉત્પાદન ઘટતાં ભાવમાં પણ મોટો તફાવત