આ માર્ગદર્શિકા મુજબ ઘઉંના પાકમાં મોલોનો ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા-લેડી બર્ડ બીટલ, લીલી પોપટી-ક્રાયસોપર્લા તેમજ સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી જંતુનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં મોલોનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો જોઈએ.
લીમડાની લીંબોળીની મીંજમાંથી બનાવેલ અર્કનો ઉપયોગ કરી શકાશે
જ્યારે લીલી ઈયળના નિયંત્રણ માટે ખેતર નીંદણ મુક્ત રાખવું. ઘઉંમાં ઉંબીઓ આવવાની શરૂઆત થાય ત્યારથી જ પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા રહેવું અને નાની ઈયળો દેખાય તો લીમડાની લીંબોળીની મીંજમાંથી બનાવેલ અર્ક પાંચ ટકા-૫૦૦ ગ્રામ/૧૦ લિટર પાણી અથવા લીંબોળીની તેલયુક્ત દવા ૧૦ મિ.લિ.-૫ ઇ.સી. અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાનો રહેશે.
કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવી
વધુમાં વાવણી સમયે બીજને કીટનાશકની માવજત અપાઈ ન હોય અને જો ઘઉંના ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ શરૂ થતો જણાય તો તુરંત જ એક હેકટર પાકના વિસ્તાર માટે ફીપ્રોનીલ પાંચ એસ.સી. ૧.૬ લિટર દવા અથવા ક્લોરપાઇરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર દવા ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે ભેળવી ઘઉંના ઉભા પાકમાં પુંખવી અને તરત જ પાકને હળવુ પિયત આપવું અથવા પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવી જોઈએ.
ખેડૂતોએ નાયબ ખેતી નિયામક-તાલીમનો સંપર્ક કરવાનો રહેશે
આ ઉપરાંત ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડને ઈયળ સહિત મૂળમાંથી ખેંચી લઈ તેનો નાશ કરવો. ખપૈડીના નિયંત્રણ માટે ઘઉંની વાવણી બાદ શેઢા-પાળા ઉપર તેમજ ખેતરમાં ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી હેકટરે ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવાનો રહેશે. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા માર્ગદર્શિકામાં જણાવાયું છે. ખેડૂતોએ આ અંગે વધુ જાણકારી માટે પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક-વિસ્તરણ અને નાયબ ખેતી નિયામક-તાલીમનો સંપર્ક કરવાનો રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Surat News : સુરતમાં ટ્રાઈસ્ટાર હોસ્પિટલના સંચાલકો સામે છેતરપિંડીની ફરિયાદ, 3 વેપારી પાસેથી રૂ.71.82 લાખનો સર્જીકલ સામાન લઈ રૂપિયા ના ચૂકવ્યા


