આ કમોસમી વરસાદને કારણે ખેતીપાકોને નુકસાન થવાની શક્યતા હોવાથી રાજ્યનાં ખેડૂત મિત્રોને આગોતરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. વાદળછાયા વાતાવરણ અને અચાનક પડતાં વરસાદને ધ્યાને લઈ ખેતરમાં કાપણી કરેલ અથવા તૈયાર હાલતમાં રહેલાં પાક જો ખુલ્લા સ્થળે રાખેલા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રી વડે યોગ્ય રીતે ઢાંકી દેવાની સૂચના આપવામાં આવી છે.
કૃષિ ઉપજ બજાર સમિતિના વેપારીઓએ વિશેષ કાળજી રાખવી
ઉપરાંત પાકનાં ઢગલાની આજુબાજુ માટીનો પાળો બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે ન જાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવી જરૂરી છે. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓ તથા ખાતરનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવી છે તેમજ ખાતર અને બિયારણનો જથ્થો ભીનો ન થાય તે રીતે સુરક્ષિત સ્થળે સંગ્રહિત રાખવા જણાવવામાં આવ્યું છે. સાથે સાથે કૃષિ ઉપજ બજાર સમિતિ (એ.પી.એમ.સી.) માં વેપારી તથા ખેડૂત મિત્રોએ વિશેષ કાળજી રાખવી જરૂરી છે.
ખેડૂતો ખેતીવાડી અધિકારીનો પણ સંપર્ક કરી શકશે
માર્કેટ યાર્ડમાં અનાજ અને ખેત પેદાશોને શેડ હેઠળ અથવા યોગ્ય રીતે ઢાંકીને સુરક્ષિત રાખવા તેમજ આ દિવસો દરમિયાન શક્ય તેટલું વેચાણ અર્થે પેદાશો લાવવાનું ટાળવા અથવા પૂરતી સુરક્ષા સાથે લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતોને વધુ માહિતી અથવા માર્ગદર્શનની જરૂર હોય તો પોતાનાં વિસ્તારનાં ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક કરવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Surat News : લો બોલો, સુરતમાં બિલ્ડરના ઘરેથી નોકર લાયસન્સ વાળી રિવોલ્વર અને કારતૂસની ચોરી કરી ગયો


