વર્તમાન સમયમાં ટેકનોલોજીના જમાનામાં પણ દેશની મોટાભાગની વસ્તી રોજગાર માટે કૃષિ પર આધાર રાખે છે. જે કારણે કેન્દ્રીય બજેટમાં કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવે છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ખેતી માત્ર વ્યવસાય નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. મોંઘા બિયારણ, ખાતર અને બદલાતા હવામાન વચ્ચે કિસાન હંમેશા સંઘર્ષ કરતો રહ્યો છે. 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે શું ખાસ હશે, તે અંગે અત્યારથી જ ગણગણાટ શરૂ થઈ ગયો છે. ઇકોનોમિક સર્વે 2025-26 એ સરકારની દિશા સ્પષ્ટ કરી દીધી છે.
ઇકોનોમિક સર્વેમાં કૃષિ ક્ષેત્રનું ચિત્ર
તાજેતરમાં રજૂ થયેલા ઇકોનોમિક સર્વે મુજબ, દેશનો GDP ગ્રોથ 7.4 ટકા રહેવાનો અંદાજ છે. છેલ્લા 5 વર્ષમાં કૃષિ ક્ષેત્રે 4.4 ટકાની સરેરાશ વૃદ્ધિ નોંધાવી છે. PM કિસાન યોજના દ્વારા અત્યાર સુધીમાં 11 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા 4.09 લાખ કરોડ જમા થયા છે, અને હવે ફેબ્રુઆરીમાં 22મા હપ્તાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
કૃષિ ક્ષેત્રની અપેક્ષાઓ
આ વખતના કૃષિ બજેટમાં નીચેના 7 મુખ્ય મુદ્દાઓ પર સરકારનું વિશેષ ફોકસ રહી શકે છે:
- PM-કિસાન રકમમાં વધારો: વાર્ષિક રૂપિયા 6000ની રકમ વધારીને ખેડૂતોની આર્થિક શક્તિ વધારવા પર વિચાર થઈ શકે છે
- નકલી બિયારણ સામે જંગ: નકલી બિયારણ વેચનારને 30 લાખ સુધીનો દંડ અને 3 વર્ષની જેલની જોગવાઈ ધરાવતું નવું બિયારણ બિલ આવી શકે છે
- ટેકનોલોજી અને સિંચાઈ: ડ્રીપ અને સ્પ્રિંકલર ઇરિગેશન તેમજ સોલર પંપ માટે બજેટમાં મોટી જોગવાઈની શક્યતા છે
- કૃષિ ધિરાણ (Agri Loan): ખેડૂતોને શાહુકારોના ચુંગાલમાંથી બચાવવા માટે સસ્તા લોનનું લક્ષ્ય રૂપિયા 32.50 લાખ કરોડથી પણ વધારવામાં આવી શકે છે
- ફસલ વીમા યોજના: નુકસાનનું ઝડપી આંકલન અને વહેલા વળતર માટે નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી શકે છે
- 100 સ્પેશિયલ જિલ્લા: જમીનની ફળદ્રુપતા વધારવા 100 જિલ્લાઓમાં ખાસ યોજનાઓ લાગુ કરવામાં આવી શકે છે
- નિકાસમાં ઉછાળો: ફૂડ પ્રોસેસિંગ અને સ્ટોરેજ સુવિધાઓ વધારીને ભારતીય પાકને વિશ્વના બજારમાં પહોંચાડવામાં આવી શકે છે
આ પણ વાંચો – Union Budget 2026: બજેટ બાદ આમ આદમીનું ‘બજેટ’ બદલાશે, જાણો સસ્તા મોંઘાનું ગણિત


