પ્રાકૃતિક ખેતીના હિમાયતી એવા રાજ્યપાલશ્રીએ અહીં માત્ર મુલાકાત જ નહોતી લીધી, પરંતુ સ્વયં ગાયનું દોહન કર્યું હતું અને ગાયનું દૂધ કેવી રીતે વધારે મેળવી શકાય તે માટે પશુ આહારનું મહત્વ સમજાવ્યું હતું.
રાજયપાલે મશીન દ્વારા હળદરને કાપી દળવાનો અનુભવ મેળવ્યો હતો
આ ઉપરાંત ખેતરમાં થયેલા હળદરના પાકને કેવી રીતે મૂલ્યવર્ધિત બનાવી વેચાણ કરવામાં આવે છે તે રાજ્યપાલે ફાર્મના માલિક અને પ્રગતિશીલ ખેડૂત બીપીનભાઈ ઉકાભાઈ પટેલ પાસે માહિતી મેળવી હતી. રાજયપાલે મશીન દ્વારા હળદરને કાપી દળવાનો અનુભવ મેળવ્યો હતો, વધુમાં તેમણે ખેતરમાં આંબા કલમ ઉપર લહેરાતા કેરીના પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી પ્રાકૃતિક પદ્ધતિથી બનાવાયેલા અસ્ત્રનો સ્પ્રે વડે છંટકાવ પણ કર્યો હતો. રાજ્યપાલે સૂચવ્યું હતું કે, ગોળ અથવા શેરડીના રસમાં દુધ મેળવી સ્પ્રે કરવાથી મધમાખી આવવાથી વધુ ફ્લાવરિંગ આવશે.
દરેકે ઝેરમુક્ત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ
આ ઉપરાંત આંબામાં મોર આવે ત્યારે પાણી નહીં આપવા માર્ગદર્શન આપ્યું હતું. ફાર્મના માલિક અને ખેડૂત બિપીન પટેલ દ્વારા અપનાવવામાં આવેલી રાસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જોઈ રાજ્યપાલશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ખેતરમાં રાજયપાલે ખાટલા પર સાદગીપૂર્ણ વાતાવરણમાં કુદરતના ખોળે બેસી ઉપસ્થિત ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો, જેમાં ખેડૂત અને ફાર્મના માલિક બીપીનભાઈ પટેલે રાજ્યપાલશ્રીને આવકારી જણાવ્યું કે, હું છેલ્લા ૧૦ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, આજે રાજ્યપાલના પાવન પગલાં અમારી ધરતી પર પડતા મારી મહેનત આજે ફળી છે. દરેકે ઝેરમુક્ત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ.
વિસ્તૃત માર્ગદર્શન ખેડૂત મિત્રોને આપ્યું હતું
બીપીનભાઈ અમેરિકામાં પોતાનું ગ્રીન કાર્ડ છોડી પોતાના દેશની ધરતી અને લોકોનું સ્વાસ્થ્ય બચાવવા માટે સેવાભાવથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, તેમના ખેતરની માટી સોનુ બની ચુકી છે. પ્રાકૃતિક ખેતીથી જમીનનું ઓર્ગેનિક કાર્બન વધતા જમીન ફળદ્રુપ બને છે. વધુમાં પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્રપાક વડે કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરી શકાય તેનું વિસ્તૃત માર્ગદર્શન ખેડૂત મિત્રોને આપ્યું હતું. રાજ્યપાલે રાજ્યના વિવિધ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની સક્સેસ સ્ટોરી જણાવી ખેડૂતોને પ્રેરિત કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, શિક્ષિત લોકોને પણ પ્રાકૃતિક કૃષિ વળવાની જરૂર છે. જેટલા વધુ લોકો પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે એટલા વધુ પ્રકૃતિની નજીક આવશે.
રાજ્યપાલે તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના માર્ગે વળવા આહવાન કર્યું
આજે કોઈ વ્યક્તિ કેન્સર કે અન્ય જીવલેણ બીમારીથી મરવા માંગતું નથી. દરેક લોકો સ્વસ્થ જીવન જીવવાની આશા રાખે છે. પ્રાકૃતિક ખેતીથી દેશનું ભવિષ્ય ઉનન્ત બનશે અને દેશ સ્વસ્થ બનશે. રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે, આ પરોપકારી સ્વદેશી ખેતીથી દેશનો ખેડૂત આત્મનિર્ભર બનશે તો દેશ આત્મનિર્ભર બનશે અને વિકસિત ભારત ૨૦૪૭ નું સપનું સાકાર થશે. રાજ્યપાલે તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના માર્ગે વળવા આહવાન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન બાલુભાઈ પાડવી, રૂમલા ગામના સરપંચ એકતા પવાર, જિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરા અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સતિષ ઢીમ્મર ઉપસ્થિત રહ્યા હતાં.
આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતની 4 મહાનગરપાલિકામાં બનશે ‘નમો સ્વદેશી અર્બન મોલ’, સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ માટે ઉત્પાદકોને મળશે કાયમી પ્લેટફોર્મ


