આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોની નોંધણી માટે વર્ષ ૨૦૨૪-૨૫થી ‘ફાર્મર રજિસ્ટ્રી’ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા દ્વારા દરેક ખેડૂતને આધાર કાર્ડની જેમ ૧૧ આંકડાનો ‘યુનિક ફાર્મર આઈડી’ આપવામાં આવશે, જે ભવિષ્યમાં ખેતીલક્ષી તમામ સેવાઓ માટે પાયાનું ઓળખપત્ર બનશે.
જે ખેડૂતો આ રજિસ્ટ્રેશન નહીં કરાવે તેમને હપ્તો મેળવવામાં મુશ્કેલી
આ ફાર્મર રજિસ્ટ્રીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી વધુ સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર પહોંચાડવાનો છે. સરકારની વિવિધ સહાય યોજનાઓ, સબસિડી અને ખેતીલક્ષી માર્ગદર્શન માટે આ રજિસ્ટ્રેશન અત્યંત મહત્વનું છે. ખાસ કરીને ભારત સરકાર દ્વારા આપવામાં આવતા પીએમ-કિસાન યોજનાના ૨૨મા હપ્તાનો લાભ મેળવવા માટે હવે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. જે ખેડૂતો આ રજિસ્ટ્રેશન નહીં કરાવે, તેઓને આગામી હપ્તાની રકમ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
આ ડિજિટલ વ્યવસ્થાથી ખેડૂતોને વારંવાર દસ્તાવેજો રજૂ કરવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે
અને સરકારી સહાયની ચોકસાઈમાં વધારો થશે. રાજ્ય સરકાર ખેડૂતોના સર્વાંગી ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે ત્યારે આ આઈડી કૃષિ સેવાઓને વધુ સુલભ બનાવવામાં પાયાની ભૂમિકા ભજવશે. જે ખેડૂત મિત્રો પીએમ-કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે અથવા ભવિષ્યમાં બિયારણ, ખાતર, કૃષિ સાધનોની સબસિડી વગેરેનો લાભ લેવા માંગે છે, તેમણે આ રજિસ્ટ્રેશન સત્વરે કરાવવું પડશે. નોંધણી વગર ખેડૂતો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી શકે છે.
ડિજિટલ પરિવર્તનનો હિસ્સો બનવા માટે જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોએ તાત્કાલિક નોંધણી કરાવવી જરૂરી
ખેડૂતોની સુવિધા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અત્યંત સરળ રાખવામાં આવી છે. ખેડૂત ખાતેદારો પોતાના ગામના VCE/VLE ઓપરેટર અથવા નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને નોંધણી કરાવી શકે છે. તદુપરાંત, ટેકનોલોજીનો ઉપયોગ કરતા ખેડૂતો પોતે જ પોતાના મોબાઈલ ફોન દ્વારા gjfr.agristack.gov.in પોર્ટલ પર જઈને ‘સેલ્ફ રજિસ્ટ્રેશન’ કરી શકે છે. રજિસ્ટ્રેશન સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર અને જમીનની અધ્યતન વિગતો ૭/૧૨ અને ૮-અ સાથે રાખવાની રહેશે.
સરકારી યોજનાઓનો અવિરત લાભ મેળવવા અને કૃષિ ક્ષેત્રે આવતા ડિજિટલ પરિવર્તનનો હિસ્સો બનવા માટે જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોએ તાત્કાલિક નોંધણી કરાવવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈપણ સરકારી સહાયથી વંચિત રહેવું ન પડે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો : Suratમાં સિટી બસને લઇ પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં, લોકો જીવન જોખમે મુસાફરી કરતા જોવા મળ્યા, જુઓ Video


