ગુજરાતમાં ચોમાસા અને માવઠાના મારથી ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. રાજ્ય સરકારે ખેડૂતોને પાક નુકસાનીની સહાય માટે મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે. હજી આ રાહત ખેડૂતો પાસે ધીમે ધીમે પહોંચી રહી છે. તેવામાં શિયાળુ પાકના વાવેતર માટે ખાતરની મોકાણ સામે આવી છે. ખાતરની અછતને કારણે ખેડૂતોને વાવેતર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળતુ હોવાનો આક્ષેપ
ઉત્તર ગુજરાતમાં થરાદ અને અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ખાતર માટે ખેડૂતોની મોટી લાઈનો લાગી છે. ખેતરમાં વાવેતરના સમયે જ ખેડૂતોને ખાતર માટે લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળતુ હોવાનો આક્ષેપ કર્યો છે. ભીલોડામાં સતત ત્રીજા દિવસે ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી છે. એગ્રો બિઝનેસ સેન્ટર પાસે લાંબી લાઈનો જોવા મળી છે.
થરાદમાં ખાતર માટે હજુ પણ લાઇનો યથાવત
થરાદમાં એરંડા અને રાયડાના પાક માટે યુરિયા ખાતરની જરૂર હોવાથી ખેડૂતો વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહ્યાં છે. ખેડૂતોને મૂંઝવણ થઈ રહી છે કે વાવેતર માટે ખેતરમાં જવું કે ખાતર માટે લાઈનમાં ઉભા રહેવું તે સમજાતુ નથી. મહિલાઓ પણ ખાતર માટે સવારથી જ લાઈનમાં ઉભી રહી છે. હાલમાં ખેડૂત દીઠ પાંચ પાંચ બોરી ખાતરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખેતી માટે પૂરતુ ખાતર નહીં મળતુ હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Agriculture News : જંતુનાશકોનું વધતું જોખમ, જેને લઈ આરોગ્ય અને પર્યાવરણ પર સીધો હુમલો


