સમગ્ર કચ્છમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે જેની વચ્ચે રવીપાકનાં વાવેતરમાં પણ ગતિ આવી ગઇ છે. પરિણામે અત્યાર સુધીમાં ૧,૬૧,૦૨૩ હેક્ટરમાં ધરતીપુત્રો દ્વારા ચણા, રાઇ, જીરું, ધાણા, લસણ, ઇસબગુલ સહિતનાં વિવિધ પાકોનું વાવેતર કરી નાખવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ જીરાંનું ૫૫,૧૮૨ હેક્ટરમાં અને બીજા નંબરે રાઇનું ૩૧,૯૪૦ હેક્ટરમાં વાવેતર જોવા મળી રહ્યું છે. મહત્ત્વની બાબત એ છે કે, જિલ્લામાં સમાન્ય રીતે રવીપાકનું સરેરાશ વાવેતર ૧.૪૦ લાખ હેક્ટરમાં થતું હોય છે, તેની સામે આ વખતે વિક્રમજનક કહી શકાય એટલું ૨૧ લાખ હેક્ટરમાં વધુ વાવેતર થવા પામ્યું છે અને હજુ પણ વાવેતર વધશે.
ખેડૂતો રવીપાકનાં વાવેતરમાં જોતરાઇ ગયા
નાયબ ખેતીવાડી અધિકારી શાન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કચ્છમાં ઠીડીની સીઝન શરૂ થતાંની સાથે જ ખેડૂતો રવીપાકનાં વાવેતરમાં જોતરાઇ ગયા હતા. જેેના પગલે અત્યાર સુધીમાં વિવિધ પાકોનું ૧,૬૧,૦૨૩ હેક્ટરમાં ખેડૂતો દ્વારા વાવેતર કરી નાખવામાં આવ્યું છે. જે સરેરાશ ૧.૪૦ લાખ હેક્ટર કરતાં ૨૧ લાખ હેક્ટરનો વધારો સૂચવે છે. ગત વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાની થઇ હતી, જેની આ વખતે ખેડૂતો દ્વારા કસર પૂરી કરવામાં આવશે તેવું હાલે વાવેતરની ગતિ જોતા લાગી રહ્યું છે.જેને કારણે પણ આગામી દિવસોમાં વિવિધ પાકોનાં વાવેતરમાં સારા એવા પ્રમામણમાં વધારો જોવા મળશે.
રવી સીઝનનાં પ્રારંભે ખેડૂતોમાં વાવેતરનો ભારે ઉત્સાહ
ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં ઘઉં, ચણા, રાઇ, શેરડી, જીરું, ધાણા, અજમો, લસણ, ઇસબગુલ, વરિયાળી, ડુંગળી, બટાટા, શાકભાજી અને ઘાસચારા સહિતનાં પાકોનું વાવેતર કરવા આવ્યું છે, તેમ જણાવી ઉમેર્યું હતું કે, રવી સીઝનનાં પ્રારંભે જ ખેડૂતોમાં વાવેતરને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો ત્યારે જ સરેરાશ વાવેતર કરતાં ૧૦ હજાર હેક્ટરમાં વધુ વાવેતર થાય તેવી શક્યતાઓ દેખાતી હતી, પંરતુ અત્યાર સુધીમાં સરેરાશ વાવેતર કરતાં પણ ૨૧ લાખ જેટલું વધુ વાવેતર ખેડૂતો દ્વારા કરી નાખવામાં આવ્યું છે.
ધરતીપુત્રોએ ૫,૦૫૭ હેક્ટરમાં વરિયાળી વાવી
જિલ્લામાં રવીપાકનાં થયેલા વાવેતર પર નજર કરવામાં આવે તો ઘઉંનું ૩૧,૩૫૫ હેક્ટરમાં, ચણાનું ૬૦૫ હેક્ટરમાં, રાઇનું ૩૧,૯૪૦ હેક્ટરમાં, શેરડીનું ૩૦ હેક્ટરમાં, જીરુંનું ૫૫,૧૮૨ હેક્ટરમાં, ધાણાનું ૧,૨૪૫ હેક્ટરમાં, લસણ ૫૦ હેક્ટરમાં, સુવા ૫૦ હેક્ટરમાં, ઇસબગુલ ૪,૯૧૭ હેક્ટરમાં, વરિયાળી ૫,૦૫૭ હેક્ટરમાં, અજમો ૧,૨૭૦ હેક્ટરમાં, ડુંગળી ૨૭ હેક્ટરમાં, બટેકાનું ૫ હેક્ટરમાં શાકભાજીનું ૬,૩૪૫ હેક્ટરમાં, ઘાસચારનું ૨૨,૩૫૫ હેક્ટર મળી કુલ ૧,૬૧,૦૨૩ હેક્ટરમાં વાવતર થવા પામ્યું છે.
સૌથી વધુ રાપર તાલુકામાં ૬૭,૮૩૦ હેક્ટરમાં વાવેતર
કચ્છનાં અત્યાર સુધીમાં વિવિધ તાલુકાઓમાં ખેડૂતો દ્વારા કરાયેલા રવીપાકનાં વાવેતરમાં મુખ્યત્વે અબડાસા તાલુકામાં ૧૨,૦૪૦ હેક્ટરમાં, અંજાર તાલુકામાં ૮,૭૨૫ હેક્ટરમાં, ભચાઉમાં ૨૭,૦૩૫ હેક્ટરમાં, ભુજમાં ૧૬,૮૧૬ હેક્ટરમાં, ગાંધીધામ તાલુકામાં ૩૩૦ હેક્ટરમાં, લખપત તાલુકામાં ૨,૧૯૫ હેક્ટરમાં, માંડવી તાલુકામાં ૧૨,૧૧૦ હેક્ટરમાં, મુન્દ્રા તાલુકામાં ૬,૦૭૨ હેક્ટરમાં, નખત્રાણા તાલુકામાં ૭,૮૭૦ હેક્ટરમાં અને રાપર તાલુકામાં ૬૭,૮૩૦ હેક્ટર મળીને કુલ ૧,૬૧,૦૨૩ હેક્ટરમાં વાવેતરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Agriculture News: ચણાના ઊભા પાકમા લીલી ઈયળના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાં


