ગુજરાતીઓનો શિયાળો જો ઊંધિયા વિના જાય તો એ શિયાળો ન કહેવાય! આ જ રીતે, પાલક, ટામેટાં, વાલોળ-પાપડી, રિંગણ જેવા લીલાં શાકભાજી તો દરેક ઘરના ભાણાંનું અવિભાજ્ય અંગ હોવાનાં જ. પણ બદલાતાં વાતાવરણમાં સારો પાક મેળવવા માટે શાકભાજીના પાકની માવજત અને પિયત જો વૈજ્ઞાનિક ઢબે અને પ્રાકૃતિક કૃષિથી કર્યું હોય તો ઉચ્ચ ગુણવત્તાવાળું મબલખ ઉત્પાદન મેળવી શકાય છે.
ઉત્પાદન પર ગંભીર ખતરો ઊભો થયો
ભારત વિશ્વમાં શાકભાજીના કુલ ઉત્પાદનમાં 15 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. દેશમાં અંદાજે 6.2 મિલિયન હેક્ટર વિસ્તારમાં 80 મિલિયન ટન શાકભાજીનું ઉત્પાદન થાય છે. જેમાં બટાટા, ડુંગળી, ટામેટાં અને રીંગણ જેવા મુખ્ય પાકોનો સમાવેશ થાય છે. જોકે, હાલના સમયમાં ગ્લોબલ વોર્મિંગના કારણે બદલાતા હવામાન અને વધતા તાપમાનને કારણે આ ઉત્પાદન પર ગંભીર ખતરો ઊભો થયો છે. ખાસ કરીને, ઊંચા તાપમાનને કારણે પરાગરજની ગુણવત્તા નબળી પડતાં ફળ બેસવાનું પ્રમાણ ઘટે છે અને ઉત્પાદકતામાં મોટો ઘટાડો જોવા મળે છે. આવા સમયે, રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે ‘પ્રાકૃતિક ખેતી’ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા જાળવવાની સાથે છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જે ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદરૂપ થાય છે.
વાતાવરણના ફેરફારને લીધે ટામેટાં જેવા પાકોમાં ફળોની સાઈઝ નાની રહેવી, ગુણવત્તા બગડવી અને પાનનો વિકાસ અટકવો જેવી સમસ્યાઓ સર્જાય છે. વધુ પડતી ગરમીને કારણે જમીનમાં ક્ષારોનું પ્રમાણ વધે છે, જેનાથી છોડ ચીમળાઈ જાય છે અને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ધીમી પડતા છોડ નાશ પામે છે. અહીં પ્રાકૃતિક ખેતીની ‘આચ્છાદન’ (Mulching) પદ્ધતિ જમીનમાં ભેજ સંગ્રહવાની ક્ષમતા વધારે છે અને તાપમાનને નિયંત્રિત કરી છોડને પ્રતિકૂળ સંજોગોમાં પણ જિવંત રાખે છે. એટલું જ નહીં, હવાનું પ્રદૂષણ પણ ટામેટાં, બટાટા અને ગાજર જેવા પાકો પર વિપરીત અસર કરે છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ મરચાં, તરબૂચ અને ટામેટાં જેવી પ્રતિકારક જાતો પસંદ કરવી હિતાવહ છે.
પાકને ‘માઈક્રો ક્લાઈમેટ’ પૂરું પાડવું જરૂરી
શિયાળામાં અતિશય ઠંડી અને હિમની અસરથી બચવા માટે પાકને ‘માઈક્રો ક્લાઈમેટ’ પૂરું પાડવું જરૂરી છે. જ્યારે તાપમાનમાં ભારે ઘટાડો થાય ત્યારે બેથી ત્રણ દિવસના અંતરે પિયત આપવાથી પાકને હિમ સામે રક્ષણ મળે છે. વાતાવરણમાં વધતા કાર્બન ડાયોકસાઈડને કારણે બટાટા જેવા પાકોમાં બેક્ટેરિયલ બ્લાઈટ અને સ્કેબ જેવા રોગોનું પ્રમાણ વધતું હોવાથી વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી અનિવાર્ય બની છે.
શાકભાજીની ખેતીમાં માત્ર વાવેતર જ નહીં, પણ કાપણી પછીની જાળવણી પણ તેટલી જ મહત્ત્વની છે. આંકડાઓ મુજબ, હાર્વેસ્ટિંગ પછી યોગ્ય જાળવણીના અભાવે અંદાજે ૩૦ ટકા જેટલો બગાડ થાય છે, જેનાથી દેશના ખેડૂતોને માતબર નુકસાન વેઠવું પડે છે. આ નુકસાન ઘટાડવા માટે ફળ અને શાકભાજીની યોગ્ય પરિપક્વ અવસ્થાએ વીણી કરવી અને તરત જ પ્રિ-કૂલિંગ કરી તેને કોલ્ડ સ્ટોરેજમાં નિર્ધારિત તાપમાને રાખવા જોઈએ.
પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલા શાકભાજી ઝેરમુક્ત હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ
આધુનિક યુગમાં ખેતીને નફાકારક બનાવવા માટે ‘પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી’ અને માર્કેટિંગ પર ભાર મૂકવો જરૂરી છે. ખેડૂતોએ શાકભાજીનું ગ્રેડિંગ, પેકિંગ અને ટ્રાન્સપોર્ટેશન નિયત ધોરણો મુજબ કરવું જોઈએ. જેનાથી ગુણવત્તા જળવાઈ રહે છે અને બજારમાં ઊંચા ભાવ મળે છે. આ પ્રક્રિયામાં એગ્રો પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન (Value Addition) દ્વારા ખેડૂતો તેમની આવકમાં મોટો વધારો કરી શકે છે.
ખાસ કરીને, પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલા શાકભાજી ઝેરમુક્ત હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. જેના કારણે બજારમાં પણ તેની માંગ વધુ જોવા મળે છે અને ખેડૂતોને તેની આવક પણ વધારે મળે છે. જો ખેડૂત મિત્રો આધુનિક તાંત્રિકતાઓ, વૈજ્ઞાનિક ઉપાયો અને પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અપનાવશે, તો વાતાવરણના તણાવ વચ્ચે પણ શાકભાજીની ખેતીમાં સમૃદ્ધિ મેળવી શકાશે.
આ પણ વાંચો : Agriculture News : ગુજરાત સરકાર દ્વારા ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીનો પ્રારંભ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા લેવાયો નિર્ણય


